શ્રીજી મહારાજ લોયાધામમાં અનેકા અનેક વાર સુરાબાપુના દરબારગઢ માં પધારીતેને તીર્થત્વ આપ્યું છે. સંવત 1877 માં શ્રીજી મહારાજ પરમહંસો સહિત એક સાથે ત્રણ મહિના સુધી લોયાધામમાં રોકાયા હતા. સુરાબાપુના દક્ષિણ બાજુના ઓરડા પરમહંસોના ઉતારા કહેવાતા તેમાં સંતોના ઉતારા થતા હતા (જ્યાં હાલ બાલુડા ધનશ્યામ મહારાજ વિરાજમાન છે). મધ્ય બાજુના ઓરડા માં શ્રીજી મહારાજ વિરાજમાન થતા હતા અને ઉતર બાજુના ઓરડામાં સુરાબાપુનો ઘર પરિવાર રહેતો હતો. શ્રીજી મહારાજે અને પરમહંસોએ આ દરબારગઢને પોતાના ખુલ્લાં ચરણારવિંદ વડે અંક્તિ કર્યો છે. અહીં શકોત્સવ આદિક અનેકાનેક લીલાઓ પણ કરી છે. પ્રસાદીના એજ દરબારગઢના પ્રત્યક્ષ દર્શન લોયાધામમાં થઈ રહ્યા છે.
ભક્તરાજ સુરાબાપુનો દરબારગઢ ત્રણ ભાગમાં વિભક્ત છે. એક ઉત્તર બાજુનો ભાગ જ્યાં હાલમાં દરબારગઢ ના દર્શન થઈ રહ્યા છે. બીજો મધ્ય બાજુ નો ભાગ જ્યાં શ્રીજી મહારાજ ઊતરતા હતા અને ત્રીજો દક્ષિણ બાજુનો ભાગ છે જે કાળક્રમે પરમહંસોના ઉતારા કહેવાયા ત્યાર બાદ નંદસંતોને ભણવાની પાઠશાળા અને ત્યાર બાદ સંપ્રદાયના પ્રથમ હરિમંદિર તરીકે પ્રસિદ્ધ થયું. જ્યાં હાલમાં બાલુડા શ્રી ધનશ્યામ મહારાજ દર્શન આપી રહ્યાછે. સંવત 1869 ના વર્ષે ભયંકર દુષ્કાળ થયો હતો. ત્યારે આ કાળનેનિર્ગમ વાસુરાબાપુ શ્રીજીમહારાજને વિનંતી કરીને સદ્દગુરુ શ્રી મુકતાનંદસ્વામી અને મોટા યોગાનંદસ્વામી આદિક પચ્ચીશ જેટલા સંતોને લોયાધામમાં લાવ્યા હતા અને તેમના દરબારગઢના દક્ષિણ બાજુના ઓરડામાં ઉતારો આપ્યો હતો. આ દરમ્યાન સદ્દગુરુ મુક્તાનંદ સ્વામીએ એક વર્ષમાં લોયાધામમાં સત્સંગની જ્યોત ઘર ઘરમાં એવી પ્રગટાવી કે દરેક લોયાધામ વાસી એક આદર્શ, આધ્યાત્મિક અને સહજાનંદી જીવન જીવવા લાગ્યા હતા. દુષ્કાળ વર્ષ પૂર્ણ થતા સુધી ગામમાં ગાઢ સત્સંગ વધવા લાગ્યો. આવો સત્સંગ ગામમાં કાયમી રહે એ માટે સુરાબાપુએ વિચાર કર્યા કે "લોયાધામ માં એક ધર્મશાળા બને અને સંતોનો કાયમી વસવાટ થાય અને કથા-વાર્તા અને નિત્ય દર્શનો લાભ મળે. " સુરાબાપુએ જ્યારે આ શુભવિચાર શ્રી હરિ સમક્ષ રજૂ કર્યો ત્યારે શ્રીજી મહારાજે ખૂબ રાજી થઈ મોટા યોગાનંદ સ્વામીને સુરાબાપુ સાથે લોયાધામ જવાની આજ્ઞા આપી હતી અને દક્ષિણ બાજુના ઓરડા પડાવીને સુંદર એક માળ વાળી ધર્મશાળા નું નિર્માણ કર્યું. ત્યારથી આ ઓરડા નું "પરમહંસોની ધર્મશાળા" એવું નામાભિધાન થયું. શ્રીજી મહારાજે આ ધર્મશાળામાં પ્રથમવાર પધારીને અહીં અનેક લીલાઓ કરી છે. અહીં કપિલેશ્વરાનંદ સ્વામી, નાનાઆત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, નાનાનિર્માનાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, નાનાશિવાનંદ સ્વામી વગેરે ભણનાર સંતો સદ્દગુરુ નિત્યાનંદ સ્વામી સાથે રહેવા લાગ્યા. ધર્મશાળામાં જ્યાં હાલમાં બાલુડા ધનશ્યામ મહારાજ બિરાજે છે ત્યાં શ્રીજી મહારાજ ઢોલીયો ઢળાવી કથા વાર્તા કરી છે. શ્રીજી મહારાજ લોયા પ્રકરણનું પ્રથમ વચનામૃત અહીં બોલ્યા છે. આસ્થા ને શ્રીજી મહારાજ ઘણી વાર થાળ જમ્યા છે. આ સ્થાને સદ્દગુરુ મોટાયોગાનંદ સ્વામીએ નાનો ઓટલો ચણાવીને નાનું લાકડાનું સિંહાસન બનાવડાવી શ્રીજી મહારાજની નાની ચિત્રપ્રતીમા પધરાવી હતી. લોયાધામના ભક્તજનો કાયમી નિત્ય નિયમ કરવા આ પરમહંસોની ધર્મશાળામાં આવતા હતા. ત્યારબાદ કાળક્રમે ધર્મશાળા સંપ્રદાયનું પ્રથમ હરિ મંદિર તરીકે ઓળખાવવા લાગ્યું. સંવત ૧૯૦૨ માં સદ્ગુરુ યોગાનંદસ્વામી એ જીર્ણોધાર કરાવ્યો ત્યારે શ્રીજી મહારાજના હજુરી સેવક મૂળજી બ્રહ્મચારીએ પણ જાતે લાકડાના પાટડા વેર્યા હતા. ત્યાર બાદ વર્ષો જતાં સંવત 2061 માં (ઇ.સ.2004) માં કંડારી ગુરુકુલ સંસ્થાપક અને લોયાધામ જીર્ણોધારક સ.ગુ.શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજીએ આ મંદિરનો જીર્ણોધાર કરી બાલુડા શ્રી ધનશ્યામ મહારાજ પધરાવ્યા છે જે હાલમાં દર્શનનું સુખ આપી ભકતોના મનોરથ પૂર્ણ કરી રહ્યા છે.
આ સ્થાને શ્રીજી મહારાજે એક માસ સુધી ભણનાર સંતો પાસે શ્લોક બોલાવીને કથા વંચાવતા હતા. ક્યારેક શ્રીજી મહારાજ ભણનાર સંતોના બે જૂથ કરાવીને એક જૂથમાં નિત્યાનંદમુનિ અને બીજા જૂથમાં બ્રહ્માનંદ મુનિને મોટા કરી બન્ને જૂથો વચ્ચે સંસ્કૃતના શ્લોકની સ્પર્ધા કરાવતા હતા. અને વિજય જૂથ પર રાજી થઈ થાળ અપાવતા હતા. આ સ્થાન પર શ્રીજી મહારાજે શ્રી વાસુદેવાનંદ બ્રહ્મચારીનું પૂજન કરીને આરતી ઉતારી હતી. આ પ્રસાદીના સ્થાન પર શ્રી લોયાધામ મંદિર દ્વારા નિર્મિત આ છત્રીના પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે.
સુરાબાપુના દરબારગઢમાં સ્થિત આ મુક્તરાજ લીંબવૃક્ષ ની નીચે શ્રીજી મહારાજ અનેક વાર જમ્યા છે, પોઢ્યા છે, સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસો સાથે બેઠાછે અને કથાવાર્તા પણ કરી છે. સંવત 1877 માં શ્રીજી મહારાજે આ લીંબવૃક્ષ તળે પાંચ ચૂલ કરાવીને ભવ્ય અને દિવ્યશાકોત્સવ કર્યો છે. એક દિવસ શ્રીજી મહારાજે સાઠમણરીંગણા અને બાર મણઘીના વધાર માં આ લીમ્બવૃક્ષની ડાળ નાખી પાનનો ઉપયોગ મીઠા લીમડા તરીકે કર્યા હતો. શ્રી હરિના દિવ્ય સ્પર્શથી આ લીમ્બવૃક્ષની ડાળીની કળવાશ પ્રકૃતિ બદલાઇને મીઠી થઈ ગઈ હતી. કાળક્રમે આ મીઠાં પાંદળા વાળી ડાળ વરસાદની સાથે વાવાઝોડામાં તૂટીગઈ. પરંતુ આજ પણ તૂટેલડાળ નું નિશાન યુક્ત મહામુક્તરાજ લીમ્બવૃક્ષ સાક્ષી રૂપે સૌને દર્શન આપે છે.
શ્રીજી મહારાજે લોયાધામમાં શાકોત્સવની એક નવીન લીલાનું કલ્યાણકારી દર્શન કરાવ્યું હતું. ક્યારેક પચ્ચીસ મણ રીંગણાંને પાંચ મણ ધી નું શાક તો ક્યારેક સાઠ મણ રીંગણાં અને અઢાર મણ ધી નું શાક અને ક્યારેક બાર મણ ધી નું શાક. આ પ્રસંગે શ્રીજી મહારાજે સુરાબાપુના દરબારગઢમાં લીંબવૃક્ષ તળે ઉત્તર દક્ષિણ લાંબી એવી મોટી પાંચ ચૂલ ખોદાવી હતી. તે ચૂલ ઉપર પાંચ ચરૂને (મોટા તપેલાં) મૂકાવી રીંગણાંના શાકનો વધાર કર્યો હતો જેમાંથી આજે એક પ્રસાદીની ચૂલના આપણને પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે.
સુરાબાપુના દરબારગઢની પાછળ ભક્તરાજ સંઘા પટેલના ઓરડા હતા. અહીં મહારાજે સંતોની પંક્તિકરાવીને સ્વહસ્તે પીરસ્યું હતું. આ ઓરડા અત્યારે પડી ગયા છે. આ ઓરડા વાળી પ્રસાદીની જગ્યા શ્રી લોયાધામ મહિલા મંદિરના ચોગાનમાં એકીકરણ કરવામાં આવી છે.
અષાઢી સંવત 1869નું દુષ્કાળ વર્ષ દરમ્યાન સુરાબાપુ સદ્ગુરૂ શ્રી મુકતાનંદસ્વામી આદિ પચ્ચીસ સંતોને લોયાધામ માં લાવ્યા હતા. પરમહંસોના આગમ થી લોયા ગામ વાસીઓમાં સત્સંગ વધવા લાગ્યો. કથા-વાર્તા, ભજન -કિર્તનના અનેકા અનેક આયોજનો જુદા જુદાસ્થળે ગામમાં થવા લાગ્યા. એક દિવસ સદ્ગુરુ મુકતાનંદ સ્વામી આ રામજી મંદિર પાસે કથા-વાર્તાનું આયોજન કરી લોયા ગામવાસી ઓને શ્રી હરિના સ્વરૂપનો નિશ્ચય કરાવતા હતા. જે આ રામજી મંદિર પ્રસાદી નું છે.
હનુમાનજી ની નાની આ ડેરી લોયાધામના પાદરમાં આવેલ છે. જેમાં હનુમાનજી મહારાજની પ્રતિમા અને શંકરભગવાનનું નાનું શિવલીંગ વિદ્યમાન છે. શ્રીજી મહારાજ આ ડેરી પાસે બિરાજ્યા છે, દેવો નું પૂજન કર્યું છે અને આ સ્થાને જ્ઞાન બોધ પણ આપ્યો છે. શ્રીજી મહારાજ જેતલપુર માં હતા ત્યારે ત્યાંથી અઢારજણ ને કાગળ લખી પરમહંસ બનવાની આજ્ઞાઆપી હતી. ત્યારે સુરાબાપુ આ ડેરી એ બેઠા હતા અને કાગળ માં પોતાનું નામ વાંચ્યું ત્યારે શ્રીજી મહારાજની આજ્ઞા પાળવા આ હનુમાનની ડેરીથી જ ગૃહત્યાગ કરીને નીકળી ગયા હતા. આ પ્રસાદી ભૂત હનુમાનજી ની ડેરીના પ્રત્યક્ષ દર્શન આજે પણ થઈ રહ્યા છે.
આ ઊંચા મંડાણની વાડી પ્રસાદીની છે. શ્રીજી મહારાજ રોઝા ઘોડા ઉપર અસ્વાર થઈ નાગડકા જઈ રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ વાર આ વાડીમાં લોયાધામ ના ભકતોના પ્રેમને વશ થઇ તંબુ કરાવી ને ઉતારો કર્યો હતો. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે લોયાધામ માં ઉત્સવો કરતા ત્યારે ત્યારે પરમહંસોના ઉતારા આ વાડીમાં કરાવતા હતા. એકવાર ચંદ્રગ્રહણની સભા પણ અહીં કરી છે. એક દિવસ શ્રીજી મહારાજ ભાદરવા મહિનાના તડકામાં સંગમકુવા માં જળક્રિડા કરવા સર્વે પરમહંસો અને ભકતો સાથે આ વાડી માં આવ્યા હતા. ત્યાંકુવા કાંઠે લીમડા હેઠે જમીન ઉપર બેસી ગયા ત્યારે આવું જોઇને સુરાબાપુ એ માથે થી કિમતી મંડીલ ઉતારીને ચાર વડું કરી પાથરીને શ્રીજી મહારાજને તેનાં ઉપર બેસવા વિનંતી કરી. ત્યારે મહારાજ કહેઃ "બાપુ! આખે તરની રજે રજ પ્રસાદીની કરવી છે. તેથી હું જમીન પર જ બેસીશ " અને ફરી બોલ્યા : "આ ઊંચા મંડાણની વાડીમાં ઊંચા મંડાણ થાશે" આજે શ્રી હરિના આ વચનો સાકાર થઈ રહ્યા છે આ પ્રસાદીની વાડી માં લોયાધામનું એક અજોડ કલાત્મક અને ભવ્યતા તેમજ દિવ્યતા થી સભર સંપ્રદાયનુ અદ્દભુત શ્રી સ્વામિનારાયણ મંદિર અંબાજીમા રબલમાં બની રહ્યું છે.
એક દિવસ શ્રીજી મહારાજ લોયાધામ અને નાગડકા વચ્ચે ભૂતી તલાવડી છે ત્યાં સભામાં વિરાજમાન હતા. તે સમયે સુરાબાપુની નાની દિકરી વલુબા પોતાની સહેલીઓ સાથે માથે પાણીનો ઘડો ભરીને ત્યાં આવ્યા. શ્રીજી મહારાજ ગામથી ઘણેકદૂર છે, એમને તરસ લાગી હશે એમની તરસ છીપે અને રાજી થાય એક એવો ભકિતભાવ વલુબાના હદયમાં હતો અને સાથે સાથે મહારાજના આર્શિવાદથી બધી જ સહેલીઓ પણ ભગવાનની ભક્ત બનીને ભક્તિ કરે એવો પરોપકાર ભાવ પણ હૃદયમાં સ્પષ્ટ હતો. અંતર્યામી પ્રભુએ આ જાણી આનંદ કરવા ખાતર વલુંબા અને તેમની સહેલીઓને દેદો કુટવાનું કહ્યું. દેદો કૂટવા એટલે સાધુ ,સ્ત્રી, ગૌ અને બ્રાહ્મણના રક્ષક કોઈ યોદ્ધા વીરગતિને પામ્યા હોય તેની પાછળ છાતી કૂટીને કરવામાં આવતી ક્રિયા. વલુંબા અને તેમની સહેલીઓએ દેદોકુટી શ્રી હરિને આ ભૂતી તલાવડી એ રાજી કર્યા.
ધર્મકુળના રામપ્રતાપજી મહારાજ અને ઇચ્છારામજી મહારાજને સદ્દગુરુ શ્રી મયાજિતમુનીનું મિલન થયું ત્યારે તેમણે જાણ્યુ કે ધનશ્યામ તો સૌરાષ્ટ્ર માં એક ભગવાન તરીકેની પ્રસિદ્ધિને પામ્યાછે. ત્યારે તેમને મળવા તેઓ સૌરાષ્ટ્ર માં આવ્યા હતા. તેઓનો સૌ પ્રથમ વાર શ્રીજી મહારાજ સાથે નો મેળાપ લોયાધામમાં થયો હતો અને ત્રણેય ભાઈ એક સાથે આ ઓટા પર વિરાજમાન થયા હતા. આ પ્રસાદિના ઓટાના દર્શન શ્રી સ્વામિનારાયણ મંદિરની પાછળ ની બાજુમાં થઈ રહ્યા છે.
લોયાગામની ઉત્તર દિશામાં પ્રસાદીનો પાતાળિયો કૂવો છે. જેની પાસે આ એક છત્રી છે. એક દિવસ શ્રીજી મહારાજે સંતો અને ભકતો સાથે સભા કરીને ઘણીવાર શાસ્ત્રચર્ચાઓ કરી હતી. જેમ લાકડાના પરોણા ભેગો લોઢાની ખીલી તરી જાય એમ મારા સાધુના સંગે લોઢા જેવા હરિભકતો પણ તરી જાશે " એ વચન શ્રી હરિ એ આ સ્થાન પર આપેલ છે. તે સ્થાનમાં હાલ છત્રી કરવામાં આવી છે. જેથી આ લીલાનું સ્મરણ થાય.
લોયાધામમાં નાની નદી (શુદ્રાનદી)ના કિનારે ઊચા મંડાણની વાડી અનેક ફુલ ફળના વૃક્ષોથી શોભી રહી હતી. આ નદી કિનારે એક સુંદર બગીચો હતો. એકવાર શ્રીજીમહારાજે આબાગમાં પધારી ભકતોના ભાવને ગ્રહણ કરી ફુલોના શણગાર ધારણ કર્યા હતા. શ્રી હરિએ સંતો-ભકતો ની સાથે કર્તિન ભક્તિ પણ કરીછે. બાળપણનાં બાળ મિત્રો વેણી, માધવ, પ્રાગ અને સુખનંદન સાથે શ્રી હરિઆ વીજ રીતે બાગમાં હર્યા ફર્યા હતા. રમ્યા જમ્યા હતા. આ બાગમાં શ્રીહરિને તે બાળમિત્રોની સ્મૃતિ થઈ આવી હતી. એ ન્યાયે આ બાગનું નામ સ્મૃતિ બાગ સાર્થક કહેવાયું.
લોયાધામની ઉત્તર દિશામાં ગામની પાદરમાં ઊચા મંડાણની વાડી પાસે આ શુદ્રા નદી (નાની નદી) વિદ્યમાન છે. શ્રીજી મહારાજે આ નદી માં ઘણીકવાર સંતોભકતો સાથે સ્નાન કર્યું છે. આ નદીના કિનારે નટર માડ્યા છે. એવી આ પ્રસાદીની નાની નદીના દર્શન આજે પણ થઈ રહ્યા છે.
લોયાધામથી દક્ષિણ દિશામાં આ સુખભાદર નદી વિદ્યમાન છે. શ્રીજી મહારાજ લોયામાં પધાર્યા ત્યારે આ સુખભાદર નદીને ઓળંગી ને આવ્યા હતા. એકવાર ઊંચા મંડાણની વાડીમાં ચંદ્રગ્રહણની સભા કર્યા બાદ ગ્રહણનું સુતક દૂર કરવા શ્રીજી મહારાજ સંતો-ભક્તો સાથે સુખ ભાદર નદીમાં સ્નાન કરવા પધારીને બહુજળ ક્રિડાઓ કરી હતી. એક દિવસ શ્રીજી મહારાજને તડકામાં ગરમી બહુ થઈ ત્યારે સુરાબાપુ પાસે દહીં મંગાવ્યું, સુરાબાપુ અર્ધોમણ જેટલું દહીંનું દોણુ લઈને શ્રીજી મહારાજને સોંપ્યું. શ્રીજી મહારાજ માણકી ઘોડી પર અસ્વાર થયા થકા દહીનું દોણું માણકી ઊપર મૂકીને જમવા લાગ્યા. બધા ભકતો એ જ્યારે પ્રસાદી મેળવવાની ઇચ્છા કરી ત્યારે શ્રીજી મહારાજ નિરાંતે દહીં જમવા માટે માણકી ને ઇશારો કર્યો માણકીને સુખભાદર નદીના કિનારા તરફ દોડાવી. બધા જ કાઠી દરબારો શ્રીજી મહારાજની પાછળ પાછળ પ્રસાદની ઈચ્છાથી ત્યાં આવ્યા. શ્રીજી મહારાજે નક્કિ કર્યુ હતું કે આ વખતે કોઈને પ્રસાદી આપવી જ નથી. શ્રીજી મહારાજ અડધુ દોણુ દહીં જમી ગયા તેમ છતાં ખૂટ્યું નહી. પછી એ પ્રસાદી ભૂત દોણાને સુખભાદર નદીમાં પડતું મુક્યું ત્યારે ચારેબાજુ દહીં દહીંના ફોદા તરવા લાગ્યા. કાઠી દરબારોએ બૂમ પાડી: "અરે! બાપડી પરસાદી વહી જાય છે" એમ કરીને બધા ઘોડા પર થી ઉતરી નદીમાં ધબો ધબ પડ્યા અને દહીંના ફોદા ખાવા લાગ્યા. શ્રીજી મહારાજ કાઠીઓની આવી રમૂજ ક્રિયા જોઈ ખૂબ જ હસતા હવા. ત્યાર બાદ સૌએ ખૂબ જ જળક્રિડાઓ કરીને સ્નાન કર્યું હતું. આ સુખભાદર નદીના પ્રત્યક્ષ દર્શન લોયા થી દક્ષિણમાં થઈરહ્યાછે.
આ કુવો પ્રસાદીનો છે. એક દિવસ લોયાધામમાં શ્રીજી મહારાજે સાધુ-બાવા ઓને ભંડારો કરીને જમાડવા માટે સુરાબાપુને જણાવ્યું. એ સમયે ભંડારા માટે રૂપિયા તો હતા પણ સૌને પીવા માટે પાણી અડધો ગાઉ દૂર ભાદર નદીથી લાવવું પડે એવું હતું. જો ભંડારામાં સર્વે સાધુબાવાઓ ભેગા થાય અને પાણીની અછત ઊભી થાય તો સર્વે મરી જાય અને ઘણો દોષ લાગે એવું સુરાબાપુ એ શ્રી હરિને જાણવ્યું ત્યારે શ્રી હરિ પાણી માટે સુરાબાપુ સાથે ગામની ઉત્તર દિશામાં કાળમીંઢ કઠણ પાણાનો ખાલી ખટકુવો છે ત્યાં પહોંચ્યા. શ્રી હરિ બોલ્યા: “આ કુવો ખાલી નથી પરંતુ પાણી ઘણું છે પણ થોડાક માટે રહી ગયું છે” એમ કહી કોશ લઈ પોતે કુવાની અંદર ઉતર્યા અને કુવામાં વચ્ચો વચ્ચ એક મોટો પાંચશેરનો પથ્થર હતો તેને હાથથી ઝાલીને હલાવીને ઊંચો કર્યો ત્યારે પાતાળ માંથી પાણીનો ધોધ છૂટ્યો અને જોતજોતામાં આખો કુવો છલકાઇ ગયો. પછી શ્રીજી મહારાજ કુવાની કાંઠે ઊભા રહીને બોલ્યાઃ “આપાણી બહું મીઠું છે. અમારા સંકલ્પને કારણે ઠેઠ પાતાળ માંથી આ પાણી આવ્યું છે. માટે આ કૂવા નું નામ આજથી પાતાળિયો કુવો રાખીએ છીએ " આ કૂવામાં જે સ્નાન કરશે તેને ગંગાજી માં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થશે. આ પ્રસાદીના પાતાળિયો કુવાના પ્રત્યક્ષ દર્શન આજે પણ થઈ રહ્યા છે.
લોયાધામમાં ઉત્તર દિશાએ પાતાળિયો કૂવો છે તેની પૂર્વ દિશાએ બે ખીજડા (સમીના) વૃક્ષ છે. શ્રીજી મહારાજ સંતો ભકતો સાથે પાતાળિયા માં સ્નાન કરવા પધારતા ત્યારે ઘણી બધીવાર ખીજડા પાસે પણ વિરાજમાન થતા હતા. એક દિવસ લોયાધામના પ્રેમી ભક્ત માનબાઈ બપોરે દાડિયા સારૂ બાજરાના રોટલા બનાવતા હતા, ત્યારે જ્યારે ચોથો રોટલો અતિશય ફૂલ્યો ત્યારે એજ સમયે તેમના અંતરમાં અવાજ ઊઠ્યો : " આ રોટલો કેવો સરસ ફૂલ્યો છે ! મહારાજ જમે એવો થયો છે!!" એ સંકલ્પ રૂપી ભાવને પૂર્ણ કરવા શ્રીજી મહારાજ માણકી ઘોડીએ અસ્વાર થઈ દિવ્યરૂપે આવ્યા અને માનબાઈ ખેતરમાં ભાત આપવા ચાલ્યા જતા હતા ત્યારે આ ખીજાડા તળે બન્નેનો ભેટો થયો. શ્રીજી મહારાજ માનબાઈના પ્રેમથી વશ થઈ દાડિયા માટે બનાવેલ રોટલા માંથી જે ફુલેલો રોટલો હતો તે આ ખીજડા તળે જમ્યા હતા અને ભક્તનો મનોરથ પૂરો કર્યો હતો. આ ખીજડા તળે એક વાર શ્રીહરિ ધાન પણ જમ્યા છે. આ બન્ને ખીજાડા પ્રસાદીના છે. જે માંથી એક હાલ પડી ગયો છે અને બીજાના પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે.
લોયાધામમાં નાની નદી (શુદ્રાનદી)ના ઉત્તર બાજુમાં એક ગૌચર સ્થાન હતું. ત્યાં રોજડા (નીલ ગાય) ખૂબ જ રહેતા. શ્રીજી મહારાજે ત્યાં રોજડાનો ઉદ્ધાર કર્યો છે. આ પ્રસાદીની જમીન પર હાલ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ તરફથી એક સુંદર સરોવર ખોદાવ્યુ છે. એનું નામ શ્રી મુક્તાનંદ સરોવર પાડવામાં આવ્યું છે.
લોયાધામ મા ઊચા મંડાણની વાડીમાં સ્થિત આ લીંબવૃક્ષ પ્રસાદીનું છે. શ્રીજી મહારાજ એકવાર જળક્રીડા કરવા સંતો ભકતો સાથે પધાર્યો હતા ત્યારે આ લીંબવૃક્ષ હેઠળ જમીન ઉપર બેસી આ વાડીની રજે રજ પ્રસાદીની કરવી છે એવો સંકલ્પ કર્યો હતો. શ્રીજી મહારાજે આ લીંબવૃક્ષ તળે રોટલો અને રીંગણનો ઓળો જમ્યા છે.. એવા આ પ્રસાદીભૂત લીમ્બવૃક્ષના જીર્ણ અવસ્થા માં પ્રત્યક્ષ દર્શન આજે પણ થઈ રહ્યા છે.
ઊંચા મંડાણની વાડીમાં સ્થિત આ કુવો પ્રસાદીનો છે. એક વાર ભાદરવા મહિનાના તડકામાં શ્રીજી મહારાજ પરમહંસો અને ભકતો સાથે વાંજિત્રો સહિત વાજતે ગાજતે કર્તિન ધૂનની રમઝટ સાથે ઊંચા મંડાણની વાડીમાં આવેલ આ કૂવામાં જડક્રિડા કરવા પધાર્યા હતા. શ્રીજી મહારાજે આ કૂવામાં સ્નાન કરવા ધૂબકો મારી ને ઠેઠ તળિયે જઈ હાથમાં પથ્થર લઈને ઉપર આવી ને બતાવ્યો એવી જળ લીલા કરી હતી, ત્યાર બાદ સદગુરૂશ્રી મુક્તાનંદ સ્વામી અને સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી કૂવામાં ઉતર્યા અને શ્રી હરિને સ્નાન કરાવી કૂવાનું પાણી પ્રસાદીનું કર્યું. ત્યારે શ્રી હરિ બોલ્યા જે : "હજુ ત્રિવેણી સંગમ થયો નથી. બે સંગમ જ થયા છે. માટે સુરાબાપુ ને કહો અંદર કુવા માં આવે. જ્યારે સુરાબાપુ એ કુવામાં ધૂબકો માર્યો ત્યારે શ્રી હરિ એ બોલ્યા "હવે ત્રિવેણી સંગમ થયો. માટે આજથી આ કુવાનું નામ સંગમ કુવો છે. ”જેમ ત્રણ નદી ભેગી થાય એટલે ત્રિવેણી સંગમ કહેવાય તેમજ શ્રીજી મહારાજ, સંતો અને ભક્ત આ ત્રણ નું અહીં સ્નાન થયું હતું તેથી ત્રિવેણી સંગમ કુવો એવું નામ સાર્થક છે. આ પ્રસાદી ભૂત સંગમ કુવાના પ્રત્યક્ષ દર્શન આજે પણ પ્રસાદીની વાડીમાં થઈ રહ્યા છે.
શ્રી હરિના ચરણારવિંદથી અંકિત આ ગોદડી પ્રસાદીની છે. એક દિવસ શ્રીજી મહારાજ સુરાબાપુ ઉપર અત્યંત પ્રસન્ન થઈને એક ગોદડી મંગાવી અને પ્રસન્ન થઈને કુમકુમ ચરણારવિંદ પાડી આપ્યા અને ત્યાર બાદ પ્રસાદીની ગોદડી સુરાબાપુને રાજી થઈ પૂજા કરવા માટે આપી હતી. હાલ માં આ પ્રસાદીની ગોદડીના પ્રત્યક્ષ દર્શન સુરાબાપુના બીજા ગામ નાગડકામાં થઈ રહ્યા છે.
શ્રીજીમહારાજે આ ઠાકોરજી મહારાજને (હરિકૃષ્ણમહારાજ સ્વરૂપે) ભક્તરાજ સુરાખાચરને પૂજવા માટે આપેલા હતા. જે હાલ એમની જ વંશપરંપરામાં ના ઘરેપ્રત્યક્ષદર્શનઆપીરહ્યાછે.
પ્રસાદીનું સિંહાસન (પ્રથમ હરિમંદિરના સમયે પધરાવેલ)
×
સુરાબાપુના દરબારગઢ સ્થિત પરમહંસોના ઉતારામાં ભણનારા સંતો સદ્દગુરુ નિત્યાનંદ સ્વામી સાથે રહેતા હતા. તે ઉતારામાં શ્રીજી મહારાજ જે સ્થાને ઢોલીયો ઢળાવીને બેઠા હતા તે સ્થાન પર મોટાયોગાનંદ સ્વામી એ નાનો ઓટલો ચણ્યો હતો. (હાલ બાલુડા ધનશ્યામ મહારાજ ત્યાં બિરાજે છે) જેના ઉપર આ સિંહાસન માં શ્રી હરિ ની ચિત્રપ્રતીમા અને ચરણારવિંદ ની જોડ પધરાવી હતી. અહીં સૌ ગામવાસી ભકતો સંતો સાથે આ સિંહાસન માં શ્રી હરિને પ્રત્યક્ષ માનીને આરતી-સ્તુતી,ધુન, થાળ અને કથા-વાર્તા રૂપી નિત્ય નિયમ કરતા હતા. બધા સંતોનું જ્યારે ભણવાનું પૂર્ણ થયું અને ગઢપુર જવા તૈયાર થયા ત્યારે મોટાયોગાનંદ સ્વામીએ ગામજનોને નિત્ય નિયમ અવિરત ચાલું રહે એવી આજ્ઞા કરી અને આ સિંહાસન લોયાધામ વાસી ભક્તોની ભગવદ્ આરાધના માટે ત્યાં જ રહેવા દીધું હતું. જે સિંહાસનના આજે પણ લોયાધામ માં પ્રત્યક્ષ દર્શન થઈ રહયા છે.
જસદણના દરબાર દ્વારા જ્યારે સુરાબાપુ ની શીલ પરીક્ષા લેવાઈ ત્યારે તે માંથી વિજય થઈને આવેલ સુરાબાપુ ઉપર અત્યંત રાજી થઈ શ્રીજી મહારાજે સ્વયં આ સોનાના મુઠ વાળી તલવાર ભક્તરાજ સુરાખાચરની કેડે બાંધી હતી અને રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તલવારના પ્રત્યક્ષ દર્શન હાલ માણસીયા બાપુના વંશપરંપરામાં આવેલા દરબારના ઘરે થઈ રહ્યા છે.
શાકોત્સવના સર્જનનું એક અજોડ નિમિત્ત એટલે આ પટારો. શ્રીજી મહારાજે ભક્તરાજ સુરાબાપુના જણસથી પરિપૂર્ણ ભરેલા પટારાની ચોર થકી રક્ષા કરી હતી. "શ્રીજી મહારાજે જ રક્ષા કરી છે એટલે આ બધુ જ જણસ શ્રીજી નું છે." એમ સંકલ્પ કરી બન્ને ભક્ત હૃદય દંપતી શાંતાબા અને સુરાબાપુએ આ પટારાની સંપૂર્ણ જણસ શ્રીજી મહારાજ અને સંતો-ભકતો માટે વાપરી હતી તેઓએ પાંચસો પરમહંસો સહિત શ્રીજી મહારાજ અને સત્સંગી આબાલ વૃદ્ધ બાઇઓ ભાઈઓ ને લોયાધામમાં બોલાવી જ્યાં સુધી આ પટારાની જણસ ખૂટે નહી ત્યાં સુધી મોટા મોટા ઉત્સવો કરાવ્યા. એમાંનો એક દિવ્ય નૂતન ઉત્સવ એટલે શાકોત્સવ. આ પ્રસાદીના પટારાના પ્રત્યક્ષ દર્શન હાલ સુરાબાપુના દરબારગઢમાં થઈ રહ્યા છે.
શ્રીજી મહારાજે સુરાબાપુના જે પટારાની ચોર થકી રક્ષા કરી તે પટારા ની આ ચાવી છે. શ્રીજી મહારાજ ના દિવ્ય પ્રતાપ ને કારણે ચોર થકી આ ચાવીથી તાળું ખૂલ્યું જ નહીં. અને પટારો તૂટ્યો પણ નહી. આ પટારાનું બધુજ ધન શ્રીજી મહારાજ અર્થે વાપરવું એ શુભ સંકલ્પ સાથે સુરાબાપુ શ્રીજી મહારાજને લોયાધામ તેડી લાવ્યા અને આ ચાવી તેમને સોંપી હતી. શ્રીજી મહારાજે આ ચાવીથી પટારો ખોલીને તેમાં રહેલી જણસથી શાકોત્સવ આદિક મોટા મોટા ઉત્સવો કરાવ્યા હતા. હાલમાં આ પ્રસાદીની ચાવીના પ્રત્યક્ષ દર્શન પ્રસાદીના શ્રી સ્વામિનારાયણ મંદિર, દરબારગઢ લોયાધામમાં થઈ રહ્યા છે.
સદ્દગુરુ શ્રી શુકાનંદ સ્વામીની પરંપરાથી આવેલ આ ચાખડી શ્રીજી મહારાજની પ્રસાદીની છે. બાલુડા શ્રી ધનશ્યામ મહારાજના પાટોત્સવમાં પરમ પૂજ્ય સદ્દગુરુ શ્રી હરિપ્રકાશદાસજીસ્વામી (ગાંધીનગર) અતિશય રાજી થઈને આ પ્રસાદીની ચાખડી પરમ પૂજ્ય પાદ્ગુરુજીને લોયાધામ વિકાસની સેવા નિમિત્તે આપી હતી. હાલમાં આ પ્રસાદીની ચાખડીના પ્રત્યક્ષ દર્શન લોયાધામમાં થઈ રહ્યા છે.
પ્રસાદીનો છપર પલંગ (કારિયાણીના ૬ઠા વચનામૃતમાં નિર્દેશ છે તે )
×
આ છપર પલંગ શ્રીજી મહારાજનો પ્રસાદીનો છે. સંવત ૧૮૭૭ ના આસો વદિ અમાસ એટલે કે દિવાળી ને દિવસે શ્રીજી મહારાજ ગામ કારિયાણી માં વિરાજમાન હતા. ત્યારે સુરતના ભક્તરાજ જાદવજી ભાઈએ કારિયાણીમાં આવીને આછપર પલંગની ભેટશ્રી હરિને આપી હતી અને શ્રીજી મહારાજ સભામાં આ છપર પલંગ પર વિરાજમાન થયા હતા. કારિયાણીના ભક્તરાજ વસ્તાખાચરની વંશપરંપરામાં આવેલ શ્રી ધીરૂભાઈ ખાચરે પૂજ્યપાદ્ગુરૂજી પ્રત્યે અતિહેતને કારણે આ છપર પલંગ લોયાધામમાં આપ્યો છે. જેના પ્રત્યક્ષ દર્શન લોયાધામમાં થઈ રહ્યા છે.
સુરાબાપુના દરબારગઢમાં સ્વયં પૂજારી બનીને શ્રીજી મહારાજે બે માસ સુધી આ રાધાકૃષ્ણદેવની મૂર્તિની સેવા પૂજા અને થાળ કરેલ છે. એકવાર ઝાલાવાડના ભકતો શાકોત્સવ માં લોયાધામ આવ્યા હતા ત્યારે તેઓએ શ્રીજી મહારાજને ઝાલાવાડ પ્રદેશમાં મંદિર કરવાની વિનંતી કરીહતી. એમની ભાવભીની વિનંતીને સ્વીકારીને શ્રીજી મહારાજે આ રાધાકૃષ્ણદેવની મૂર્તિઓને પૂજા કરવા માટે આ ભકતોને આપી હતી. ભૂજમાં નરનારાયણદેવની પ્રતિષ્ઠા કર્યા બાદ મૂળી આવીને શ્રીજી મહારાજે ભક્તરાજ ઘેલા જોશીના ઓરડામાં વૈશાખ સુદ બારસના દિવસે આ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી અને ઉત્સવ કર્યા હતો. શ્રીજી મહારાજ અક્ષરધામ પધાર્યા પછી સદગુરૂ બ્રહ્માનંદસ્વામીએ મૂળીનું મંદિર પૂર્ણ કરી સંવત ૧૮૮૨ મહાસુદ પને ગુરૂવારે (વસંત પંચમીએ) ઓરડા માંથી આ મૂર્તિઓ મંદિરના મુખ્યશિખરમાં પધરાવી અને આચાર્ય મહારાજશ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે વેદોકત વિધિથી પ્રતિષ્ઠાકરી હતી. હાલ મૂળીમાં આ રાધાકૃષ્ણદેવની મૂર્તિઓ પ્રત્યક્ષ દર્શન આપી રહી છે.